સુરતમાં 2 વર્ષનો બાળક સાતમાં માળની ગ્રીલમાંથી નીચે પટકાતા મોત ઘટના સીસીટીવીમાં કેદ
સુરત :
માતા-પિતાને સાવધ કરતો કિસ્સો સુરતના પાલ વિસ્તારમાં બન્યો છે. સુરતના પાલ વિસ્તારમાં 2 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. બાળક સાતમાં માળેથી નીચે પટકાયો હતો. જે બાદ બાળકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
ગ્રીલમાં રમતા રમતા બાળક નીચે પટકાયો
મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની નવીતકુમાર કલસરિયા હાલ વરાછા રોડ ખાતે આવેલી વર્ષા સોસાયટી વિભાગ 2માં પત્ની રેશ્માબેન અને 2 વર્ષના દીકરા ભવ્ય સાથે રહે છે. તેઓ રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. તેઓની પત્ની રેશમાબેન બાળકને લઈને પાલ સ્થિત પિયરમાં ગયા હતા. ત્યાંથી તેઓ કામ અર્થે પાલ ગૌરવપથ રોડ સ્થિત શ્રીપદ સેલિબ્રેશન ખાતે ગયા હતા. જ્યાં તેઓનો બાળક રમી રહ્યો હતો. ત્યારે દુર્ઘટના બની હતી.
બાળક સાતમાં માળે પેસેજની ગ્રીલમાં રમી રહ્યો હતો ત્યારે તે નીચે પટકાયો હતો. જેમાં બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. જેથી તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)