સુરતમાં એક કરોડના ડ્રગ્સમાં ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી નેપાળથી આવતા જ ઝડપાયો.

સુરત :

સુરતના લાલગેટમાંથી SOGએ સાડા 3 મહિના પહેલા 1 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ ગુનામાં 33 વર્ષીય ડ્રગ્સ માફીયા શેહબાઝ આલમ ઈરશાદ હુસૈન ખાન (33) (અખાડા સ્ટ્રીટ, રામપુરા, મૂળ પરસવા ગામ, યુપી)ને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યો છે. ડ્રગ્સ પકડાયું ત્યારે શેહબાઝ યુપી વતન ભાગી ગયો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી નેપાળ જતો રહ્યો હતો. નેપાળથી ફરી યુપી આવી ગયો હતો. યુપીથી પાછો સુરત આવતા લાલગેટ પોલીસે પકડી લીધો હતો.

મુખ્ય સૂત્રધાર મોહંમદ કાસીફ શહેબાઝને એક ટ્રીપના 5 હજાર રૂપિયા આપતો હતો. એમડી ડ્રગ્સ લેવા માટે આરોપી 3 વખત સાગરિતો સાથે મુંબઈ ગયો હતો. આરોપી યાર્ન વેસ્ટેજનો ધંધો કરે છે.મુખ્ય સૂત્રધાર મોહંમદ કાસીફ ઈકબાલ ઉર્ફે પસીના શેખ અને શહેબાઝઆલમ છેલ્લા 6 વર્ષથી ચાલાકીથી ઘરની બહાર લોક મારી ટેરેસ પરથી ડોલ મોકલી નીચે ગ્રાહકોને એમડીની ડિલિવરી આપતા હતા.જ્યારે ગ્રાહકોને ડ્રગ્સ લેવા અને રૂપિયા આપવા અલગ જગ્યાઓ પર બોલાવતા હતા. અગાઉ SOGએ મુસ્લિમ વેશ ધારણ કરી ઉત્તરપ્રદેશની દરગાહ પાસેથી ડ્રગ્સ માફીયા કાસીફને પકડી પાડ્યો હતો. અત્યાર સુધીમાં આ ગુનામાં 8 જણા પકડાયા છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)