સુરતમાં કન્સ્ટ્રક્શન સાઈટ પરથી પટકાતા 15 વર્ષના કિશોરનું મોત, પરિવાર મૃતદેહ લઈને પહોંચ્યો પોલીસ કમિશનર કચેરી.

સુરત :

સુરતમાં કન્સટ્રક્શન સાઈટ પર 15 વર્ષીય કિશોર ચોથા માળેથી નીચે પટકાયો હતો. જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પરિવારના સભ્યોને આશંકા છે કે આ અકસ્માત નહિ પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે. સાઈટ પર બિલ્ડરની બેદરકારી પણ હોય શકે જેની તટસ્થ તપાસ થવી જોઈએ. તેવી માગ સાથે પરિવાર મૃતદેહ લઈને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો.

અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતો 15 વર્ષીય ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપોર હરીદર્શનના ખાડા પાસે ધારા હેવન નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર અગાઉ છુટક કામ કરવા માટે આવતો હતો. હાલ રક્ષાબંધનની ઉજવણી માટે શ્રમજીવીઓ વતન ગયા હોવાથી સાઈટ પર કામ બંધ હતું. દરમિયાન ચિરાગ સાઈટ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બારીમાંથી નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ન્યાયની માગ સાથે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા

બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જો કે, પરિવારને આશંકા છે કે, આ અકસ્માત નહિ જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માગણી કરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)