સુરતમાં એક તરફ પોલીસના ધાડે ધાડા ઉતરીને કોમ્બિંગ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા બનાવો બની રહ્યાં છે. 24 કલાકમાં જ બીજી હત્યાનો બનાવ બન્યો છે. જેથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યાં છે. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણીની લાઈન મુદ્દે યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
લાલગેટ વિસ્તારમાં રહેતા 27 વર્ષના અફઝલ પટેલનો પાણીની લાઈન બાબતે ઝઘડો થયો હતો. જેથી શેહઝાદ મોમીન અને એઝાઝ મોમીન દ્વારા તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરા ઉપરી ઘા ઝીંકી દેવાતા અફઝલ પટેલનું મોત નીપજ્યું હતું. ઉશ્કેરાટમાં આવી હત્યા કરનારા આરોપી ઘટનાને અંજામ આપીને નાસી ગયા હતાં.
પોલીસના અધિકારીઓએ તપાસ હાથ ધરી
અફઝલ પટેલની હત્યાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર હત્યાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. હાલ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. જો કે, 24 કલાકમાં જ બે હત્યાના બનાવો સામે આવતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે.