સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેર કાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થઈ છે.
સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂત આગેવાનો, જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લાં કેટલાંય વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટી તંત્ર આજ દિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગાના તળાવો દૂર કરાવી શક્યા નથી.
આ બાબતે મે.નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાડ તાલુકામાં ગેરકાયદેસર અને બિનધિકૃત ઝીંગા તળાવો અન્વયે ૧૬/૨૦૨૦ થી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે સરકારી જમીનો ઉપર દબાણ દ્વારા ઊભા કરવામાં આવેલા ઝીંગા તળાવો અન્વયે કલેકટર કચેરી દ્વારા સર્વે કરવામાં આવેલો હતો.
આમ, મોટા ભાગના ગામોમાં સર્વે બાદ જિલ્લા કલેકટર સુરત દ્વારા એફિડેવિટ કરી કોર્ટને જણાવ્યું છે કે સુરત જિલ્લામાં આવેલા મોટા ભાગના અંદાજે ૮૦ ટકા તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવી છે. જે દબાણો આજની તારીખે સ્થળે પર જેમ ના તેમ છે અને ગેરકાયદેસર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃતિ ચાલુ છે.