સુરત :
સુરતમાં ઊંચી ટકાવારીનું વ્યાજ વસૂલતા કુખ્યાત લાલી પંજાબીની પોલીસે ધરપકડ કરી છે. સામાન્ય લોકોને શારીરિક માનસિક રીતે ત્રાસ આપીને રૂપિયા વસૂલનારા લાલીનો આજે પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. રસ્તા પર હાથકડી પહેરાવીને ચલાવવામાં આવ્યો હતો. જેથી સામાન્ય લોકોમાં લાલીનો જે ખૌફ છે તે દૂર થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બે લાખ રૂપિયા વ્યાજ કાપીને આપનારા લાલી પંજાબી દ્વારા 6.68 લાખ વસૂલ્યા બાદ પણ વધુ 3 લાખની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. જેથી પોલીસ દ્વારા તેની ફરિયાદ લોકદરબારમાં મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. લાલી ઝડપાઈ જતાં એક પછી એક પીડિતો દ્વારા ફરિયાદ આપવામાં આવી રહી છે. ત્યારે આજે પોલીસ દ્વારા લાલીને સાથે રાખીને વરઘોડો કાઢીને તેની ઓફિસ લઈ જવાયો હતો.
કોરા ચેક-ડાયરીઓ મળી આવી
લાલી ગેરકાયદેસર વ્યાજનું મોટું સામ્રાજ્ય ચલાવે છે. ત્યારે પોલીસે લાલીને સાથે રાખી ઓફિસમાં સર્ચ કર્યું હતું. જેમાં નામચીન વ્યાજખોર લાલીએ અનેક લોકોને વ્યાજે રૂપિયા આપી ઊંચા ટકાવારીમાં વ્યાજ વસૂલતો હોવાનું સામે આવ્યું છે. અગાઉ એક ગુનામાં આગોતરા જામીન લઈને હાજર થયો હતો. ઉધના પોલીસે તેની ઓફિસ સર્ચ કરતા અનેક કોરા ચેક અને ડાયરીઓ મળી આવી હતી.
અહેવાલ: અશ્વિન પાંડે (સુરત)