સુરત શહેરમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર શહેરને પણ ભીંજવી નાખ્યું છે. સતત વરસતા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ઘૂંટણસમાં ભરાઈ ગયા છે.
અર્ચના સ્કૂલ વિસ્તારની સ્થિતિ અત્યંત ખરાબ બની છે જ્યાં સ્કૂલની આજુબાજુના રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવા જતી દૃશ્યોએ શહેરજનોને હચમચાવી દીધા છે. સ્કૂલ જતા નાનાં બાળકો અને નોકરીયાત લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકોને રસ્તા પર પસાર થવામાં અઢળક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ જતાં લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા મોસમ પહેલા પ્રિમોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ આ દાવાઓ વરસાદના પ્રથમ જ દિવસે પોકળ સાબિત થયા છે. લોકો તંત્રના વિરોધમાં ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે.
સ્થિતિ સંભાળવા તંત્રએ હવે કટોકટીના પગલાં ભરીને પાણીની નિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવી જરૂરી બની છે.
અહેવાલ : બ્યુરો રિપોર્ટ