સુરત :
આજે સવારે પણ મેઘરાજાએ મેરેથોન ઈનિંગ રમવાનું ચાલુ રાખ્યું છે. વરસાદ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ 1 ઈંચ વરસાદ પડ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તાર અને ગરનાળામાં પાણી ભરાયા છે, તેથી અનેક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. સુરત રેલવે સ્ટેશન પાસેનું આર્યુવેદિક ગરનાળું બંધ કરી દેવાયું છે. ડભોલીમાં પણ પાણી હજુ ઓસર્યા નથી.
દરમિયાન વરસાદી વાતાવરણના લીધે આજે સવારે વિઝિબિલિટી પણ ઘણી ઓછી હતી, જેના લીધે દિલ્હીથી સુરત આવેલી ફલાઈટને લેન્ડિંગ કરવામાં સમસ્યા ઉભી થઈ હતી. આકાશમાં બે ચાર ફેરા મારી પ્લેન પરત ફર્યું હતું. એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હીથી સુરતની ફલાઈટને ફરી દિલ્હી મોકલી દેવાઈ હતી, જેના લીધે પેસેન્જર હેરાન થયા હતા.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)