સુરતમાં નકલી સોનાના સિક્કા પધરાવી 17.50 લાખ પડાવનાર મહિલા ટોળકી ઝડપાઇ.

સુરત :

સુરતમાં છેતરપિંડીના અલગ અલગ બનાવો બની રહ્યાં છે. ત્યારે ઈચ્છાપોરમાં પારસી પરિવારના ઘરે પહેલા ઘી વેચવા આવી વિશ્વાસ કેળવી સસ્તામાં સોનાના નકલી સિક્કા પધરાવી મહિલાએ 17.50 લાખ પડાવ્યા હતા. ઈચ્છાપોર પોલીસે રિક્ષાના નંબર આધારે મહિલા ટોળકીને પકડી પાડી છે. જેમાં એક મુખ્ય સૂત્રધાર મહિલા સોનીને 7 મહિનાનો ગર્ભ છે. પોલીસે રિક્ષા અને 1 લાખ રોકડ કબજે કરી છે. બાકીની રકમ રિક્ષાચાલક અને તેની કૌટુંબિક બહેને દેવું કરી દીધું હતું.પોલીસે જણાવ્યું કે સોની દેવીપૂજક ઘી વેચવા માટે ઈચ્છાપોરમાં છેલ્લા એક વર્ષથી આવતી હતી. તે વેળા પારસી પરિવાર તેની પાસેથી છેલ્લા 6 મહિનાથી ઘી લેતું હતું.

ઘીમાં વેચવામાં મિત્રતા કરી પારસી પરિવારને તેણે 3 અસલી સોનાના સિક્કા બતાવ્યા હતા. પરિવારે સિક્કાની ખરાય કરવા જવેલર્સ પાસે કરાવી હતી..પછી મહિલા નકલી સોનાના સિક્કા પધરાવી 17.50 લાખની રકમ પડાવી લીધી હતી. પારસીએ થોડા દિવસો પછી સોનાના સિક્કાની ખરાય કરાવવા જતા નકલી હોવાનું સામે આવ્યું હતું. આથી તેઓ ઈચ્છાપોર પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરી જેમાં એક રીક્ષાનો નંબર મળ્યો હતો. નંબર આધારે પોલીસે પહેલા રીક્ષાચાલક અને પછી પત્ની અને ત્યાર પછી તેની બહેન તેમજ પડોશી મહિલા સહિત 4 જણાને પકડી પાડયા હતા.

ઈચ્છાપોર પોલીસે રીક્ષાચાલક સુનિલ ભોળા ઉગ્રેજીયા, તેની પત્ની સોનલ સુનિલ ઉગ્રેજીયા, કૌટુંબિક બહેન સોની મુકેશ દેવીપૂજક અને પડોશી વિજુ પરસોતમ વણોદીયાની ધરપકડ કરી છે.કાપોદ્રામાં વર્ષ 2021માં આવો જ બનાવ બન્યો હતો. તે બનાવ જોઇને આ ટોળકીએ પણ આ રીતે ઠગાઈ કરવા પારસી પરિવારને ટાર્ગેટ કર્યો હતો. સોની દેવીપૂજક ઓરિજનલ 3 સોનાના સિક્કા અમદાવાદથી લાવી હતી.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)