સુરત :
વેસુ કેનાલ રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે (જીજે-05 આરટી-5550) રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા 150 મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી.
લોકોએ કારનો પીછો કરીને ઝડપી લીધો
એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા.ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ, કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)