સુરતમાં નાનાભાઈએ પતંગનો દોરો ન આપતાં 10 વર્ષના બાળકે ખાધો ફાંસો

ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યાં છે. ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે. જેમાં પતંગના દોરાની માથાકૂટમાં માઠું લાગી જતાં 10 વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.સુરતના વરિયાવ વિસ્તારમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના ચાર બાળકો અને પત્ની સાથે રહે છે.

ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યાં હતાં. આ દરમિયાન બાળકો ઘરે એકલા હતાં. જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યાં હતાં. જો કે 3 નંબરના નાના સંતાને પતંગનો દોરો ન આપતાં બે નંબરના સંતાનને માઠું લાગી ગયું હતું. જેથી તેણે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.