સુરતમાં પણ તંત્રને ઉઠા ભણાવતા શિક્ષકો, 3 નોટિસો બાદ પણ 6 મહિનાથી 3 શિક્ષકો ‘ઘેર’ હાજર.

સુરત :

ગુજરાતમાં શિક્ષકો વિદ્યાર્થીઓની જગ્યાએ તંત્રને ઉઠા ભણાવતા હોવાનું સર્વત્ર સામે આવી રહ્યું છે. ત્યારે પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ અન્ય જિલ્લાઓની માફક ત્રણ શિક્ષકો અંદાજે 6 મહિનાથી ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ છે. અન્ય જિલ્લાઓમાં આવા કૌભાંડ બહાર આવ્યા બાદ સમિતિમાં પણ શિક્ષકોની હાજરીની ચકાસણી થઈ હતી, જેમાં શાળા ક્રમાંક 121ના શિક્ષક નિમિષા પટેલ અને ક્રમાંક 190ના આરતી ચૌધરી વિદેશ ગયા હોવાનું જણાવી 6 મહિનાથી વધુ સમયથી રજા માણી રહ્યા છે, જ્યારે શાળા ક્રમાંક 275ના શિક્ષક અન્સારી મોહમ્મદ અમીન મુસાનો તો કોઈ અતોપતો જ નથી. આ ત્રણેયને હાજર થવા નિયમ મુજબ 3-3 નોટિસ અપાઈ ચૂકી છે.

તપાસમાં સામે આવ્યુ કે, 100થી વધુ શિક્ષકો છે, જેમાં 44 CRC તરીકે કામ કરતા શિક્ષકો પણ શાળામાં હાજર રહેતા નથી જ્યારે એક શિક્ષક તો URCનો નિયમ વગર ચાર્જ મળ્યા બાદ પણ શાળાના વર્ગમાં વર્ષોથી જતા જ નથી. આ લોકો પોતાના URCના કૂલિંગ પિરિયડ દરમિયાન પણ શાળામાં જતા નથી. સમિતિમાં એક હજારથી વધુ શિક્ષકોની ધટ છે ત્યારે આ પ્રકારે ગુલ્લી મારીને નેતાગીરી કરતા રહેતા અને વર્ગખંડમાં નહીં જતાં શિક્ષકો સામે પણ પગલાં લેવાઈ શકે છે. સમિતિમાં સ્ટાફ માટે ઓનલાઈન પંચિંગ અમલમાં છે, પરંતુ વર્ષોથી આ સિસ્ટમને કોઈ પણ નિર્ણય વિના સમાપ્ત કરી દેવામાં આવી છે. ખાસ કરીને 3 મિસ પંચ થાય અને ફિંગર પ્રિન્ટ નહીં નીકળે તો પગાર કપાઈ જાય છે, પરંતુ વારંવાર શાળા શરૂ થવાના સમયની મીટિંગોને કારણે આવા શિક્ષકોની હાજરી સેટ કરવાનો પ્રશ્ન ઊભો થતાં આ સિસ્ટમનો ઉલાળિયો કરી દેવાયો છે

સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, ‘શાળા ક્રમાંક 121ના નિમિષા પટેલ, 190ના આરતી ચૌધરી 6 મહિનાથી વિદેશમાં છે આ ઉપરાંત ક્માંક 275ના અન્સારી મુસા વિશે કોઈ જ જાણ નથી. આ ત્રણેય શિક્ષકોને નોટિસની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને ટર્મિનેટ કરાશે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)