સુરત: સુરતમાં આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી માગવાના પ્રકરણમાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. પ્રકાશ દેસાઈએ લિયો ક્લાસીસના સંચાલક પાસે આશરે ₹4.50 લાખની ખંડણી માગી હતી, જેમાંથી ₹3 લાખ લેતા સમયે તેમને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, પ્રકાશ દેસાઈએ લિયો ક્લાસીસ વિરુદ્ધ અનેકવાર આરટીઆઈ (માહિતીનો અધિકાર) કરી છે. ગુરુવારે મનપાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસવાનો દેસાઈનો પ્લાન હતો. દેસાઈ ધરણા માટે “થિયેટર” અને ખંડણી માટે “ટિકિટ” એ પ્રકારના કોડવર્ડનો ઉપયોગ કરતો હતો. દેસાઈએ લિયો ક્લાસીસના સંચાલક પાસે ₹4.50 લાખની “ટિકિટ” (ખંડણી)ની માંગણી કરી હતી.
ફરિયાદી સંચાલકે તુરંત જ એસ.ઓ.જી. (વિશેષ ઓપરેશન ગ્રુપ)માં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસ.ઓ.જી.ની ટીમે જાળ બિછાવી દેસાઈને ₹3 લાખ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો. હાલ એસ.ઓ.જી. દ્વારા દેસાઈને કસ્ટડીમાં રાખી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આરટીઆઈના આધારે ખંડણી માગવાનો આ કિસ્સો સામે આવતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે. પોલીસ હવે દેસાઈ સાથે સંકળાયેલા અન્ય લોકો અને અગાઉ કરવામાં આવેલી આરટીઆઈ અંગે પણ તપાસ ચલાવી રહી છે.