સુરત :
છેલ્લાં ઘણા દિવસથી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, પરંતુ સુરત શહેરમાં હજુ ચોમાસું બેઠું હોય તેવું લાગતું નથી. આજે તા. 14 જૂનની સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળો ઘેરાયા હતા અને ત્યાર બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું, જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સ્કૂલ, નોકરી પર જતા લોકો અટવાયા હતા. બ્રિજની આડશમાં ઉભા રહેવાની સ્થિતિ ઉદ્દભવી હતી. સવારના વરસાદી ઝાપટા બાદ બપોરે ફરી સૂર્ય દેવે વાદળોની બહાર ડોકિયું કર્યું હતું. ફરી એકવાર ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઈ હતી.
આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લિંબાયત, ઉધના, રાંદેર, અડાજણ, પાલ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. હળવા વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નોકરી ધંધા પર જતા લોકો રેઈનકોટ વગર નીકળ્યા હોવાથી અટવાયા હતા. ઓવરબ્રિજના સહારે ઉભા રહેવાની ફરજ પડી હતી.
અહેવાલ : અશ્વિન પાંડે (સુરત)