સુરત :
સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે.2023માં પણ એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી.છેલ્લા ત્રણ વર્ષમાં 31 માર્ચ 2023ની પરિસ્થિતિએ ફક્ત 11 જેટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 526 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.જેથી આજે રાજ્યભરની સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલાયું
આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી સમક્ષ કેટલીક રજૂઆતો કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશોત્સવના કાર્યક્રમો કરે છે. જે અંતર્ગત 26-27-28 જૂનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવશે. આવા કાર્યક્રમો અને તાયફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છૂપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે. શિક્ષણ સુધારણા માટે સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી અમારી આમ આદમી પાર્ટીએ આ મુદ્દે અનેક વખત આપને રજૂઆતો કરી છે પણ આ મુદ્દે હજુ સુધી કોઈ સુધારાઓ કરવામાં આવેલ નથી.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)