સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ રોડ પર એક યુવકને તેના મિત્રોએ ચા-પાણી પીવા બોલાવી લાકડાના ધોકા અને છરીના ઘા ઝીંકી ઇજાઓ પહોંચાડવાની ઘટના બની છે. ઉછીના રૂપિયા ન આપવાના મુદ્દે સર્જાયેલા આ હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
મળી રહેલી માહિતી મુજબ, મોચી બજાર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય એજાઝભાઈ કાદરભાઈ મોવરને તેના મિત્ર જયપાલ દેવીપુજકે ફોન કરી રિવરફ્રન્ટ રોડ પર ગાય સર્કલ પાસે મળવા માટે બોલાવ્યા હતા. જયારે એજાઝ ત્યાં પહોંચ્યો, ત્યારે મિત્ર જયપાલ અને અજીતે સાથે મળીને ચા-પાણી પીધા બાદ એજાઝ પાસે ઉછીના પૈસા માંગ્યા. ફરિયાદી એજાઝે નકારાત્મક જવાબ આપતા બંને શખ્સો ગુસ્સે થઈ ગયા અને એજાઝને લાકડાના ધોકાથી માર માર્યો.
અજીત શૈલેષભાઈ કોળીએ છરી વડે એજાઝના બંને પગમાં ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનાને પગલે એજાઝે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
👉 આગળના અપડેટ માટે જોડાયેલા રહો.