સૂર્યપુત્રી તાપી નદીના આકાશી દ્રશ્યો: વરસાદે ઉમટાવ્યું સૌંદર્ય, કોઝવે સપાટીએ પસાર કર્યો 6.57 મીટરનો આંક.

સુરત શહેરમાંથી નીકળતી અને સમગ્ર દક્ષિણ ગુજરાત માટે જીવદાયિ રહેલી તાપી નદી ફરી એકવાર પોતાના ઐતિહાસિક રૂપે વહેતી જોવા મળી છે. શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે તાપી નદીમાં નવા નીરના પ્રવાહે નદી જીવંત બની ગઈ છે.

ડ્રોન દ્રશ્યોમાં તાપી નદીનું સૌંદર્ય પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ઉપરથી જોતા તાપી નદીનો ઘુમાવ, તેજસ્વી પ્રવાહ અને ધબધબતાં પાણીના દ્રશ્યો એક તરફ શાંતિ આપે છે તો બીજી તરફ શહેર માટે સંકેત પણ આપે છે કે સ્થિતિ કાબૂમાં રાખવી જરૂરી છે.

શહેરના જીવનરેખા સમાન તાપી નદીની સપાટી હાલમાં કોઝવે પર 6.57 મીટર સુધી પહોંચી છે. સામાન્ય દિવસોમાં 4-5 મીટરની આસપાસ રહેતી સપાટી હવે નદીના બે કાંઠે વહેતાં પાણીમાં સપાટી ઉપર આવતા, નદીકાંઠે લોકોની અવરજવર સામે તંત્રએ ચેતવણી આપવી પડી છે.

શહેરના કાટેજ વિસ્તારમાંથી લઈ શંકરતેકરી સુધીના નદીકાંઠા વિસ્તારોમાં લોકો છુટાછવાયા દર્શન માટે ઉમટી પડે છે, પરંતુ તંત્રએ સ્પષ્ટ કરી દીધું છે કે હાલની સ્થિતિ જોતા કાંઠા વિસ્તાર પાસે જવું જોખમભર્યું સાબિત થઈ શકે છે.

મહાનગરપાલિકા અને જિલ્લા તંત્રે હાલ એલર્ટ મોડમાં કામગીરી શરૂ કરી છે. નદીમાં આવતા નવા નીર અને ઉપરવાસમાંથી છૂટતાં પાણી પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તાપી નદીમાં આવેલા કાટમાળ અને રેતીના જથ્થાઓ પણ પ્રવાહને કોઈ રીતે અવરોધે નહીં તે માટે તંત્રએ ઝોનલ અધિકારીઓને સૂચનાઓ આપી છે.

સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે તાપી નદીનું આ રૂપ અનેક વર્ષો પછી જોવા મળ્યું છે. ખાસ કરીને ઘાટ વિસ્તાર અને તાપી બેંક પાસે નદીની લહેરો તોફાની સ્વરૂપે ધડકતા જોવા મળતા લોકોને આકર્ષી રહી છે.

અહેવાલ :- સુરજ મિશ્રા (સુરત)