સોમનાથ મહોત્સવ-બીજો દિવસ.“વિસર્જનથી પુનઃ ભવ્ય અને દિવ્ય સર્જન”

સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શૈવ પરંપરાના વિવિધ આયામ, નાગરશૈલીના મંદિરો, કોતરણી અને શૈલી પર મનોમંથન
“મંદિર,તીર્થ અને પરંપરા” અંતર્ગત મંદિરોમાં વાસ્તુકલા સહિત સોમનાથના ઈતિહાસની ઊંડાણપૂર્વક સમજ આપતા તજજ્ઞો.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને આરાધનાના ત્રિ-દિવસિય ‘સોમનાથ મહોત્સવ’ના બીજા દિવસે સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે “મંદિર, તીર્થ અને પરંપરા” વિષય પર યોજાયેલા સેમિનારમાં તજજ્ઞોએ પરંપરાના વિવિધ આયામ, ગુજરાતમાં નાગરશૈલીના મંદિરો, મંદિરોમાં વાસ્તુકલા સહિત સોમનાથના ઈતિહાસની ઊંડાણપૂર્વક સમજ આપી હતી, ગુજરાત પ્રવાસન વિભાગ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય સેન્ટર ઓફ આર્ટ્સ, વડોદરા અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા મંદિરની વાસ્તુકલા, ‘વિસર્જનથી પુનઃસર્જન’ સોમનાથ મંદિરનું નિર્માણ, પ્રભાસક્ષેત્રને નવપલ્લવિત કરવામાં શ્રી સરદાર પટેલનું યોગદાન, મંદિર નિર્માણકલામાં પ્રભાશંકર સોમપુરાની વિશિષ્ટ શૈલી, વીર હમીરજી ગોહિલનું શૌર્ય, સ્કંધપુરાણમાં પ્રભાસખંડનું મહત્વ વગેરે મુદ્દાઓ આવરી લઈ અને સોમનાથના વિસર્જનથી પુનઃ ભવ્ય અને દિવ્ય સર્જન સુધીના જાજરમાન ઈતિહાસથી વિદ્યાર્થીઓને અવગત કરાવ્યાં હતાં.


સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાંતકુમાર સેનાપતિએ જણાવ્યું હતું કે, ભારતીય જ્ઞાન પરંપરાનું મૂળ સંસ્કૃત છે. સંસ્કૃત એ એક એવું ભાષા માધ્યમ છે. જેને જાણીને જ આપણે ભારતીય ઋષિ પરંપરાનું મૂળ ઓળખી શકીએ છીએ. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી શૈક્ષણિક ગતિવિધિઓ સાથે સંસ્કૃતના માધ્યમથી સાંસ્કૃતિક પરંપરાને આગળ ધપાવવાનું કામ કરી રહી છે, શિવક્ષેત્રમાં શૈવાગમન શાસ્ત્રના અધ્યયનની ઊંડાણપૂર્વકની જરૂરિયાતનું મહત્વ સમજાવતા કુલપતિએ ઉમેર્યું હતું કે, વેદ-પુરાણ અને અન્ય ધાર્મિક જ્ઞાન પીરસતાં મહાન ગ્રંથો ભારતીય સંસ્કૃતિના પથદર્શક છે. વેદ અને પુરાણોમાં શિવત્વના ઘણાં આયામો છે. શૈવ પરંપરાના વિવિધ આયામોને સમજવા માટે હજુ પણ ખેડાણ અવિરત ચાલુ જ રહેશે એમ જણાવી પરસ્પર સંસ્કૃતિના આદાન-પ્રદાનને આજના સમયની તાતી જરૂરિયાત ગણાવી હતી.

ઈન્દિરા રાષ્ટ્રીય કલાકેન્દ્રના ડીન શ્રી પ્રતાપાનંદ ઝાએ જણાવ્યું હતું કે, મંદિરોમાં શિવ અને વૈષ્ણવ આગમનો વર્ષો જૂનો ઈતિહાસ રહ્યો છે. જેને ધાર્મિક તેમજ આદ્યાત્મિક દ્રષ્ટિકોણથી મૂલવતાં ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષોની ભવ્ય પરંપરાનો ઈતિહાસ સચવાયેલો જોવા મળે છે. જે ગર્વની વાત છે.
જ્યારે પણ પુરાણ વિશે વાત કરવામાં આવે છે તો વૈજ્ઞાનિક તથ્ય તેની સાથે આપોઆપ સંકળાય જાય છે. રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર સહિતના આધુનિક વિષયોના પાયામાં પણ સંસ્કૃતના તથ્ય અને તત્વ છુપાયેલા છે. આપણી ભવ્ય પરંપરાના આ પલ્લવિત વટવૃક્ષના મૂળ વધુ મજબૂત થઈ અને આગળની પેઢીમાં પણ અંકુરિત થાય એવી એમણે શુભેચ્છા વ્યક્ત કરી હતી, ડૉ. જયરામ પુડવાલે ચાલુક્ય વંશનું મંદિર નિર્માણ અને ‘ સોમનાથ મંદિર’, ‘બેલૂર મઠ’, ’કાશિ વિશ્વનાથ મંદિર’, ‘અયોધ્યા મંદિર’, ’વરાહ મંદિર’, ’મોઢેરા સૂર્યમંદિર’ સહિત ગુજરાતના મંદિરોની કલાશૈલી વિસ્તારમાં સમજાવી હતી. જ્યારે મયૂરી ભાટિયાએ વિસર્જનથી સર્જન સુધી સોમનાથ મંદિરનો ઈતિહાસ અને સાંસ્કૃતિક મહત્વ વિશે વિશદ્ છણાવટ કરી હતી.


આ સેમિનારમાં શૈક્ષણિક સત્રના માધ્યમથી શૈવવાદમાં કલા, શૈવ સ્થાપત્ય, શિવત્વ તેમજ શિવ મંદિરની વાસ્તુકલા અને શૈવ સાહિત્યના વિવિધ પાસાઓનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક સાથે આદ્યાત્મિક માહિતી પૂરી પાડવામાં આવી હતી, આ કાર્યક્રમમાં સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ લલિતભાઈ પટેલ, સંસ્કૃત યુનિવર્સિટીના તજજ્ઞ રવિન્દ્ર પાંડે, શ્વેતા પ્રજાપતિ, ડૉ અમિત્વ અધિકારી અને કો-ઓર્ડિનેટર ડૉ આશાબહેન સહિત સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : પ્રકાશ કારાણી વેરાવળ સોમનાથ.