સોમનાથ ખાતે તા.૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના મહાશિવરાત્રીના અવસર પર યોજાશે ‘સોમનાથ મહોત્સવ’
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા.૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરીના રોજ સોમનાથ ખાતે મહાશિવરાત્રી દરમિયાન ‘સોમનાથ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલાં પ્રાંગણમાં યોજાનાર મહોત્સવની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સ્થળ મુલાકાત લીધી હતી,
કલેક્ટરશ્રીએ સ્થળ મુલાકાત લઈ ઉપસ્થિત અધિકારીઓને ત્રણ દિવસના મહોત્સવ દરમિયાન જરૂરી સુવિધાઓ, વીજ જોડાણ, પીવાના પાણીની વ્યવસ્થા, કલાકારો માટે ગ્રીનરૂમ, ટ્રાફિક નિયમન, પર્યટકો માટે પાર્કિંગની સુવિધા, આરોગ્યને લગતી પ્રાથમિક સારવાર, સ્ટેજ તૈયાર કરવા સહિતનું જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું,
ઉલ્લેખનીય છે કે,’સોમનાથ મહોત્સવ’માં ખ્યાતનામ કલાકારો દ્વારા તાલબદ્ધ નૃત્ય, ઋષિકુમારો દ્વારા ‘સાગર આરતી’ સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે,
જેના માધ્યમથી મહાશિવરાત્રી દરમિયાન દેશભરમાંથી શ્રદ્વાળુઓ ભગવાન સોમનાથના દર્શન માટે પધારશે ત્યારે પર્યટકો કલા સાથે આરાધનાના સંગમરૂપ ત્રિ-દિવસીય મહોત્સવમાં સાંસ્કૃતિક વિરાસત અને કલા વૈભવથી પણ પરિચિત થશે,
કલેક્ટરશ્રીની સ્થળ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, નાયબ કલેક્ટર શ્રી એફ.જે.માંકડા, પુરવઠા અધિકારી શ્રી પારસ વાંદા, માર્ગ એન્ડ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી સુનિલ મકવાણા શિક્ષણ, આરોગ્ય, આર.ટી.ઓ, પી.જી.વી.સી.એલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : પ્રકાશભાઈ કારાણી (વેરાવળ)