સોમનાથમાં શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થાન ભાલકા તીર્થ, અને દેહોત્સર્ગ તીર્થ ખાતે જન્માષ્ટમી ની ભક્તિમય ઉજવણી.

સોમનાથ

સોમનાથમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના અંતિમ લીલાસ્થાન એવા ભાલકા તીર્થ, તેમજ શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોકધામ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સવા લાખ વિવિધ પૂષ્પો,લાઈટિંગ અને વિવિધ શુશોભનો થી મંદિર તથા ગર્ભગૃહને ભવ્યતાથી શણગારવામાં આવેલ હતા. સમગ્ર દિવસ દરમ્યાન ભક્તો શ્રીકૃષ્ણના અલૌકિક સ્વરૂપના દર્શન કરી કૃતકૃતાર્થ થયા હતા. તો સાથે રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ગોલોકધામ તીર્થ ખાતે સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા, તેમજ ભાલકા તિર્થ ખાતે ચીફ એકાઉન્ટન્ટશ્રી અજયકુમાર દુબે એ વિશેષ મહાપૂજા કરી જન્માષ્ટમી ની પાવન ક્ષણે રાત્રે 12:00 વાગ્યે શ્રીકૃષ્ણની મહા આરતી યોજાયેલ હતી. આરતી દરમિયાન મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને મધ્ય રાત્રિએ શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની પાવન ઘડીને જય રણછોડ માખણચોર, અને નંદ ઘેર આનંદ ભયો નો નાદ ગુંજી ઉઠ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મની વધામણી આપવા માખણ મિસરી, પેંડા, ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભાલકા તીર્થ ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવનો લ્હાવો શ્રીસોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ ભક્તોએ ઘરે બેઠા લીધેલ હતો.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)