‘સ્વચ્છોત્સવ’ અંતર્ગત એસ.ટી. કંટ્રોલ પોઈન્ટ પર સફાઈ અને જાગૃતિ અભિયાન.

ગીર સોમનાથ: રાજ્યમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા વિવિધ જગ્યાએ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.)ના કર્મચારીઓ પણ સહભાગી રહ્યા.

વિશેષ રીતે, એસ.ટી. સોમનાથ અને વેરાવળ કંટ્રોલ પોઈન્ટ પર બસ સ્ટેશન અને ઓફિસના વિસ્તારોમાં, ડ્રાઇવર-કન્ડક્ટર આરામ રૂમ, સ્ટેશનના લાઈટ-પંખા અને બસની અંદર-બહારની સફાઈનું કામ હાથ ધરાયું. આ પ્રક્રિયામાં બસ સ્ટેશનના દરેક વિસ્તારોને સ્વચ્છ બનાવવામાં આવ્યો અને આવનારા મુસાફરોને આરામદાયક વાતાવરણ ઉપલબ્ધ કરાયું.

સાથે જ વેરાવળ એસ.ટી. ડેપો ખાતે વિદ્યાર્થીઓ દ્વારા “સ્વચ્છતા એ જ સારી ટેવ” થીમ પર નાટકનું પ્રદર્શન કરવામાં આવ્યું. નાટકમાં સૂકો અને ભીનો કચરો અલગ કરવા, કચરો કચરાપેટીમાં નાખવાની રીત, પ્લાસ્ટિકના ઉપયોગ ઘટાડો અને સ્વચ્છતાથી થતા ફાયદા જેવા વિષયો પર લોકજાગૃતિ કરાવવામાં આવી. વિદ્યાર્થીઓના આ અભિયાન દ્વારા મુસાફરો અને સ્ટાફને સ્વચ્છતા વિશે જાગૃત કરવા ખૂબ પ્રેરણા મળી.

અધિકારીઓએ જણાવ્યું કે, આવું અભિયાન સમાજમાં સ્વચ્છતા માટે યોગ્ય ટેવ વિકસાવવા માટે મહત્વપૂર્ણ છે. પ્રવાસીઓ અને સ્ટાફ બંને માટે આ પ્રકારની કામગીરી દ્વારા સ્વચ્છ, સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ, ગીર સોમનાથ