હિરણ-૨ ડેમ ખાતે નવા નીરના વધામણા, કલેક્ટર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૈદિક વિધિપૂર્વક પૂજન.

ગીર સોમનાથ જિલ્લાના ઉમરેઠી (હિરણ-૨) ડેમમાં સતત નવા નીરના પ્રવાહને કારણે ડેમ આનંદથી છલકાઈ રહ્યો છે. શ્રાવણ માસના પવિત્ર અવસરે થયેલી સારો વરસાદથી ડેમમાં નવા નીરની આવક થતાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય તથા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરીને શ્રીફળ, ચોખા અને ચૂંદડી અર્પણ કરી નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા.

હાલ ડેમમાં રૂલ લેવલ મુજબ ૧૧૭૧ એમ.સી.એફ.ટી. એટલે કે ૮૫.૯૬% પાણીનો જથ્થો ભરાયો છે, જ્યારે પાણીની સપાટી ૭૦.૫૦ મીટર લેવલ નોંધાઈ છે. સાંજે ૦૭.૦૦ વાગ્યા સુધીમાં ડેમના બે દરવાજા ૦.૪૫ મીટર ખોલી ૩૩૪૭ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સર્વત્ર થયેલા વરસાદથી ઉમરેઠી ડેમ છલકાઈ ચૂક્યો છે. હિરણ-૨ ડેમના પાણીના કારણે વેરાવળ અને તાલાલા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. ખેતીને પાણી મળવાથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે તો સાથે જ વિકાસની દિશામાં મહત્વપૂર્ણ સહાયરૂપ બનશે.

આ પ્રસંગે ઉમરેઠીના સરપંચ જયદીપ જોટવા, મામલતદાર કે.જી. ચૂડાસમા, કાર્યપાલક ઈજનેર જે.કે. કરાવદરા, નાયબ ઈજનેર આર.કે. સામાણી, સહાયક ઈજનેર એસ.જે. સોલંકી સહિત નગરજનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ સોમનાથ