‘હું જ સરકાર, સરકાર કોર્ટમાં ન જાય…’ રમણલાલ વોરાની નશાબંધી મંડળના પ્રમુખ સાથે ગાળાગાળી, ધમકીઓ!

ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી અને વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરા દ્વારા પોતાના ભત્રીજા જમાઈ લલિત પરમારને મળેલી નોટિસ અંગે ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈ સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરવામાં આવી હોવાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. वોરાએ દેસાઈને ધમકી આપતા કહ્યું, ‘હું જ સરકાર છું અને સરકાર કોર્ટમાં જતી નથી.’ તેમજ ‘હું નશાબંધી મંડળની ગ્રાન્ટ પણ બંધ કરાવી દઈશ.’

શૂં છે સમગ્ર વિવાદ?

મળતી માહિતી અનુસાર, રમણલાલ વોરાના ભત્રીજા જમાઈ લલિત પરમાર ગુજરાત નશાબંધી મંડળમાં નોકરી કરે છે. તેઓ ગમે તે કારણોસર છેલ્લા એક મહિનાથી ડ્યૂટી પર હાજર થયા નહોતા. આ કારણે નશાબંધી મંડળે સત્તાવાર નોટિસ પાઠવી અને ગેરહાજરી અંગે ખુલાસો માંગ્યો. નિયમ અનુસાર, તેમને જવાબ આપવાની ફરજ હતી, પરંતુ તેમણે વોરાને ફરિયાદ કરી.

રમણલાલ વોરાની ઉગ્ર પ્રતિક્રિયા

આ ફરિયાદના પગલે 27મી ફેબ્રુઆરી, ગુરુવારે મોડી સાંજે, વોરાએ વિવેક દેસાઈને ફોન કર્યો અને આક્ષેપ કર્યો કે દેસાઈ કોંગ્રેસી છે. તેઓએ પ્રશ્ન કર્યો કે, નશાબંધી મંડળે નોટિસ આપવા કોણે કહ્યું? દેસાઈએ સ્પષ્ટતા કરતા કહ્યું કે નિયમ મુજબ ગેરહાજર કર્મચારીઓ સામે કાર્યવાહી થાય છે અને જો વાંધો હોય તો કોર્ટમાં જઈ શકાય.

વોરાની ધમકી:

આ સાંભળીને અકળાઈ ગયેલા વોરાએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું:

  • ‘ગુજરાતમાં હું જ સરકાર છું અને સરકાર કોર્ટમાં જતી નથી.’
  • ‘હું ધારું તો તમારી ગ્રાન્ટ પણ બંધ કરાવી દઈશ.’
  • ‘તને ખબર નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છે, હવે તું પતી ગયો.’

મામલો ચર્ચાનો વિષય:

વોરાના આ વિવાદાસ્પદ નિવેદનો અને ધમકીઓ અંગે રાજકીય માહોલ ગરમાયો છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે સરકાર કોઈ કાર્યવાહી કરે છે કે નહીં!

અહેવાલ: ગુજરાત બ્યુરો