મુસાફરોની સતત માંગ અને મુસાફરીને વધુ આરામદાયક બનાવવાના પ્રયાસરૂપે ભારતીય રેલવે દ્વારા ભાવનગર તેમજ અયોધ્યા વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મળતી માહિતી મુજબ, ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ થી દર સોમવારે “ટ્રેન નં. ૧૯૨૦૧/૧૯૨૦૨ ભાવનગર-અયોધ્યા કેન્ટ સાપ્તાહિક એક્સપ્રેસ” દોડાવા માં આવશે.
ટ્રેનના પ્રારંભ માટે વિશેષ સમારોહ યોજાશે જેમાં ૩ ઓગસ્ટના રોજ સવારે ૧૦ વાગ્યે ભારતીય રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ ભાવનગર ટર્મિનસ પરથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને ફ્લેગ ઓફ કરશે. પ્રવાસીઓ માટે આ નવી ટ્રેન આરાધ્ય સ્થાન અયોધ્યાના દર્શન માટે અત્યંત લાભદાયી બનશે.
ટ્રેન સંચાલનની વિગતો મુજબ, ટ્રેન નં. ૧૯૨૦૧ ભાવનગર ટર્મિનસમાંથી દરેક સોમવારે બપોરે ૧:૫૦ વાગ્યે છૂટશે અને બીજા દિવસે સાંજે ૬:૩૦ વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશન પહોંચશે. તેની વિપરીત દિશામાં ટ્રેન નં. ૧૯૨૦૨ અયોધ્યા કેન્ટમાંથી મંગળવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે છૂટશે અને ગુરુવારે વહેલી સવારે ૪:૪૫ વાગ્યે ભાવનગર પરત ફરશે.
આ ટ્રેન મુસાફરોને ગુજરાતથી ઉત્તર પ્રદેશના ધાર્મિક અને સાંસ્કૃતિક નગરી સુધી આરામદાયક મુસાફરી પૂરી પાડશે. ટ્રેનના માર્ગમાં કુલ ૨૩ મહત્વપૂર્ણ સ્ટેશનો પર થવાનું રોકાણ રહેશે જેમાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ, ભરતપુર, ઇદગાહ, ટુંડલા, કાનપુર, લખનઉ અને બારાબંકી જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.
મુસાફરો માટે સુવિધાયુક્ત કોચ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે જેમાં સેકન્ડ ક્લાસ, સ્લીપર ક્લાસ, થર્ડ એસી, થર્ડ એસી ઈકોનોમી અને સેકન્ડ એસી કોચની વ્યવસ્થા કરાઈ છે. ટિકિટ બુકિંગ ૩ ઓગસ્ટથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC ની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
મુસાફરો ટ્રેનના સંપૂર્ણ સમયપત્રક, સ્ટોપેજ અને સંરચના વિશે વધુ માહિતી માટે www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. આ નવી ટ્રેન સેવાથી ભાવનગરના પ્રવાસીઓને હવે ધર્મનગરી અયોધ્યા સુધીની મુસાફરી સરળ અને સુસજ્જ બનશે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.