૧૭,૩૦૦ ફૂટ ઊંચા ‘ફ્રેન્ડશિપ પીક’ પર તિરંગો લહેરાવ્યો અને સંદેશ આપ્યો : “No Drugs Campaign”

જૂનાગઢના ત્રણ પ્રોફેસરો સહિત ૧૫ સાહસિકોની ટીમે હિમાચલના પર્વતોમાં رોચક સફરનો વિજય મેળવ્યો

જૂનાગઢ, તા. ૨૭ મે : ગુજરાતના યુવાનોના હિંમતભર્યા પ્રયત્નોનું વધુ એક ગૌરવપૂર્ણ અધ્યાય સામે આવ્યું છે. જૂનાગઢની બહાઉદ્દીન સાયન્સ કોલેજના ત્રણ સાહસિક પ્રોફેસર્સ – કુશ વાછાણી, ડૉ. સતીશ ઘેલાણી અને ડૉ. ગોપાલ રાઠોડ સહિત ૧૫ યુવાનોની ટીમે હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જમાં આવેલા ૧૭,૩૦૦ ફૂટ ઊંચા “માઉન્ટ ફ્રેન્ડશિપ” પીક પર સફળ ચઢાઈ કરી તિરંગો લહેરાવ્યો છે. સૌથી વિશેષ વાત એ રહી કે તેઓએ સાથેમાં “No Drugs Campaign” નો ઉદ્દાત સંદેશ પણ શિખર સુધી પહોંચાડ્યો.

આ ઝૂમપાટનો આગવો સંકલ્પ હતો Invincible NGO નું – જે ભારતની જાણીતી એડવેન્ચર અને યુવા ટ્રેકિંગ સંસ્થા છે. ટીમના દરેક સાહસિકને બે મહિનાની કઠોર તાલીમ – દૈનિક રનિંગ, યોગ-પ્રાણાયામ, ટેક્નિકલ શિક્ષણ અને દાયકાઓનો અનુભવ ધરાવતા કોચીઝના માર્ગદર્શન હેઠળ – આપવામાં આવી હતી. પછી સફળ ફિટનેસ ટેસ્ટ બાદ ૧૫ સાહસિકોની પસંદગી થઈ.

૨૦ મે થી શરૂ થયેલી આ દુર્ગમ યાત્રા દરમિયાન સતત હિમયુક્ત વાતાવરણ, ઓક્સિજનની અછત અને ઝટકા મારતાં તાપમાને પણ યોદ્ધા સમી આ ટીમે ૨૬ મેના રોજ શિખર સર કર્યું. તિરંગા સાથે સાથે “No Drugs” નો મેસેજ પણ ફર્ફરાવાયો, જે આજના યુવાનોને નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રાખવાનો પ્રયત્ન છે.

કુશ વાછાણી, ડૉ. સતીશ ઘેલાણી, ડૉ. ગોપાલ રાઠોડ સહિત તમામ સાહસિકો માટે આ અભિયાન માત્ર સાહસ નહિ, પણ નશાવિરોધી અવાજ ઊભો કરવાનું મિશન હતું – જેમાં તેઓએ ભારતનું ગૌરવ વધાર્યું છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ