૩૯ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ૩૮ મીનીટના સમય સાથે સીનીયર બહેનોમાં જાડા રીંકલ પ્રથમ

૫૯.૧૪ મીનીટના સમય સાથે સીનીયર ભાઈઓમાં વાઘેલા શૈલેષભાઈ પ્રથમ ૩૭.૫૫ મીનીટના સમય સાથે જુનીયર બહેનોમાં ગજેરા જશુબેન પ્રથમ ૦૧.૦૪.૨૦ કલાકના સમય સાથે જુનીયર ભાઈઓમાં સોલંકી અજયકુમાર પ્રથમ ગિરનાર સર કરવા ૧૧૯૩ સ્પર્ધકોએ દોટ મુકી હતી ૩૯ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા ૧૧૯૩ સ્પર્ધકોએ દોટ મુકી હતી. આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૩૮ મીનીટના સમય સાથે ની જાડા રીંકલે મેદાન માર્યું હતુ. સીનીયર ભાઈઓમાં વાઘેલા શૈલેષભાઈએ ૫૯.૧૪ મીનીટના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જુનીયર બહેનોમાં ગજેરા જશુ એ ૩૭.૫૫ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જુનીયર ભાઈઓમાં સોલંકી અજયકુમારે ૧.૪.૨૦ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો.પવિત્ર ગિરનારની ભુમીમાં સવારે ખુશનુમા વાતાવરણમાં ૬-૪૫ કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો આરંભ ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયાએ ફલેગ ઓફ થી પ્રારંભ કરાયો હતો.


આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે આણંદના કંઠેસીયા નીતા, તૃતીય ક્રમે જૂનાગઢના કથુરીયા સાયરા રહ્યા છે. જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ગીરસોમનાથના મેવાડા ધર્મેશકુમાર, તૃતીય ક્રમે ગીરસોમનાથના ચાવડા વીગ્નેશ રહ્યા છે. જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે જૂનાગઢના ગરચર દીપાલી, તૃતીય ક્રમે જૂનાગઢના કામરીયા જયશ્રી રહ્યા છે. જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે જૂનાગઢના ઝાલા જયરાજસીંહ, અને તૃતીય ક્રમે જૂનાગઢના વાજા દિવ્યેશ રહ્યા હતા. વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ,પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા,જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર શ્રી ઝાંપડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના સહિતના પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
આ તકે અધ્યક્ષીય પ્રવચનમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે, સ્પર્ધામાં ભાગ લઈ અને રમવું એ આપણી ફરજ છે.

તેમણે જણાવ્યુ હતુ કે, રમત ગમત ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે જૂનાગઢના ઝફર મેદાન ખાતે સ્પોર્ટસ સંકુલ વિકસાવવા માટે રાજ્ય સરકારે રૂ. ૧૯ કરોડનું અનુદાન ફાળવ્યુ છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભના આયોજનને લીધે રમતગમત ક્ષેત્રે યુવાઓની પ્રતીભા નીખરી રહી છે. વધુમાં તેમણે યુવાનોને ખેલ મહાકુંભમાં ભાગ લેવા પણ જરૂરી પ્રોત્સાહન આપ્યું હતું. જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ રાજ્યભરમાંથી સ્પર્ધામાં ભાગ લેવા આવનાર સ્પર્ધકોની શારીરિક અને માનસિક ક્ષમતાને બિરદાવતા જણાવ્યું હતું કે ખૂબ જ ઓછા સમયમાં વીજળીના વેગે ગિરનાર આરોહણ અવરોહણ એ ખૂબ જ કઠિન છે.


તેમણે સ્પર્ધકોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, સ્પર્ધકો ફક્ત આ ગિરનાર સ્પર્ધા સુધી મર્યાદિત ન રહે પરંતુ રમત ગમત ક્ષેત્રે ઉજ્જવળ કાર્કિદી બનાવી દેશનું નામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળે એ માટે કેન્દ્ર રાજય સરકારે વિવિધ યોજનાઓ અમલમા મુકી છે. તેનો લાભ લેવા પણ જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા એ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રમત ગમત ક્ષેત્રે યુવાનો આગળ વધે એ માટે પ્રોત્સાહન આપી રહી છે, અતિ કઠિન ગણાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવો એ જ ગૌરવની વાત છે. સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એન.ડી.વાળા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતુ.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)