થર્ડ જેન્ડરના સ્ટેટ આઈકોન વાપીની મારિયા પંજવાણીએ વધુમાં વધુ મતદાન કરી લોકતંત્રના મહાઉત્સવની ઉજવણી કરવા મતદારોને કરી અપીલ.

થર્ડ જેન્ડરના સ્ટેટ આઈકોન વાપીની મારિયા પંજવાણીએ વધુમાં વધુ મતદાન કરી લોકતંત્રના મહાઉત્સવની ઉજવણી કરવા મતદારોને કરી અપીલ.

ખેરગામ

 

મજબૂત લોકશાહીનું નિર્માણ અને દેશને સશક્ત બનાવવા માટે મતદાન અતિ આવશ્યકઃ સ્ટેટ આઈકોન.

સોશિયલ મીડિયામાં દોઢ લાખ ફોલોઅર્સ ધરાવનાર મારિયાએ ટ્રાન્સ જેન્ડરોના ઈલેકશન કાર્ડ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

ઉચ્ચ ડિગ્રી ધરાવનાર અને ફ્રેંચ, પોર્ટુગીઝ તેમજ જર્મન ભાષાની જાણકાર મારિયાએ થર્ડ જેન્ડરને અલગ ઓળખ આપવા માટે ચૂંટણી પંચનો આભાર માન્યો

 

‘ચુનાવ કા પર્વ’, ‘દેશ કા ગર્વ’ના સંદેશ સાથે લોકતંત્રનો મહાઉત્સવ આગામી તા. ૭ મે ના રોજ વલસાડ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવવામાં આવનાર છે. ત્યારે વલસાડ જિલ્લાના થર્ડ જેન્ડરના સ્ટેટ આઈકોન મારિયા પંજવાણીએ ૨૬- વલસાડ બેઠક પર વધુમાં વધુ મતદાન થાય તે માટે પોતાના નામથી જ ‘‘મારિયા મતદાન જાગૃતિ અભિયાન’’ છેડ્યું છે. જેની હકારાત્મક અસર ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જોવા મળી હતી. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તે માટે વલસાડ જિલ્લાના થર્ડ જેન્ડરના મતદારોને વ્યક્તિગત મળી મતદાન કરવા માટે જાગૃત કરી રહ્યા છે.

મૂળ ધંધુકાના વતની પરંતુ વલસાડ જિલ્લાના વાપીને પોતાની કર્મભૂમિ બનાવનાર મારિયા પંજવાણી થર્ડ જેન્ડરના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. એમ.કોમ, બી.એડ સહિતની કુલ પાંચ ડિગ્રી અને ફ્રેંચ, પોર્ટુગીઝ તેમજ જર્મન ભાષાના જાણકાર મારિયા પંજવાણીએ ગત વિધાનસભાની ચૂંટણીમાં વાપીના થર્ડ જેન્ડર કેટેગરીમાં સમાવિષ્ટ મતદારોના ઈલેક્શન કાર્ડ બનાવવા અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તમામને મતદાન મથક સુધી દોરી જવામાં વિશેષ ભૂમિકા ભજવી હતી. ઉચ્ચ ડિગ્રી અને મતદાન જાગૃતિ અભિયાનની પ્રશંસનીય કામગીરને પગલે લોકસભાની ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચ દ્વારા તેમની સ્ટેટ આઈકોન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારબાદ તેમણે મતદારોને જાગૃત કરવા માટે વલસાડ તેમજ અમદાવાદ સહિતના વિવિધ જિલ્લામાં મીટિંગો યોજી લોકોને મતદાન કરવા અપીલ કરી છે. ઈલેકશન કમિશનનો આભાર માનતા કહ્યું કે, વર્ષ ૨૦૧૯ની ચૂંટણીથી અમને ટ્રાન્સજેન્ડર તરીકેનું અલગ અસ્તિત્વ મળ્યું છે. લોકશાહીના પર્વમાં અમે પણ સહભાગી થવાનું ગૌરવ અનુભવીએ છીએ.

સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર દોઢ લાખ અને ફેસબુક પર પાંચ હજાર ફોલોઅર્સ ધરાવતી મારિયા પંજવાણીએ સૌ નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા જણાવ્યું કે, જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્યવિધાતા છે. લોકશાહીમાં મતદાનનો અધિકાર બહુમૂલ્ય છે. દેશના સર્વાંગી વિકાસમાં એક એક મતનું આગવું મહત્વ છે. મજબૂત લોકશાહીનું નિર્માણ કરવા અને દેશને સશક્ત બનાવવા માટે મતદાન અતિ આવશ્યક છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યના મતદારોને કોઈપણ લોભ લાલચમાં આવ્યા વિના નિર્ભિક બની મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરી છે.

બોક્ષ મેટર

જિલ્લામાં સૌથી વધુ પારડી અને ઉમરગામમાં ટ્રાન્સજેન્ડર નોંધાયા

રાજ્યમાં કુલ ૧૫૦૩ થર્ડ જેન્ડર મતદારો છે. જેમાંથી વલસાડ બેઠક પર કુલ ૧૯ થર્ડ જેન્ડર મતદાર યાદીમાં નોંધાયા છે. જે પૈકી ડાંગમાં બે, વલસાડમાં ત્રણ, પારડીમાં પાંચ, કપરાડામાં ચાર અને ઉમરગામમાં પાંચ થર્ડ જેન્ડરનો સમાવેશ થાય છે. મતદાર યાદીમાં નોંધાયેલા તમામ ટ્રાન્સજેન્ડર મતદારો ૧૦૦ ટકા મતદાન કરે તે માટે મારીયા પંજવાણીએ વ્યકિતગત સંપર્ક કરી મતદાન જાગૃતિ માટે પહેલ કરી છે.

અહેવાલ :- અંકેશ યાદવ ( નવસારી )