લોકસભા સામાન્ય ચૂંટણી 2024:- બનાસકાંઠા*

*લોકસભા સામાન્ય ચૂંટણી 2024:- બનાસકાંઠા*

*આદિવાસી મહિલા મતદારોમાં મતદાન માટેનો અનેરો ઉત્સાહ*: *રામપુરા (વડલા) ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકે સુંદર સજાવટ*

 

*દાંતા મતદાર ક્ષેત્રના આદિવાસી પટ્ટામાં મતદાન માટે લોકોએ લાઈનો લગાવી*

 

(માહિતી બ્યુરો,પાલનપુર)

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને આકર્ષવા આદર્શ મતદાન મથક, યુવા મતદાન મથક , સખી મતદાન મથક અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા હતા. દાંતા વિધાનસભા ક્ષેત્રના આદિજાતિ વિસ્તારોમાં પણ મતદાનને લઇ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિરમપુર અને રામપુરા ( વડલા) ખાતે લોકોએ મતદાન માટે ભારે લાઈનો લગાવી હતી. બપોરે ખરી ગરમીમાં પણ લોકો મતદાન માટે ઉમટયા હતા. આદિવાસી મહિલા મતદારોમાં પોતાના મતાધિકાર માટેની અનોખી ધીરજ જોવા મળી હતી. મહિલા મતદારો પોતાનો નંબર ન આવે ત્યાં સુધી મતદાન મથકે નિરાંતે બેસી રહી હતી.

 

રામપુરા (વડલા ) ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકે સુંદર સજાવટ કરવામાં આવી હતી. મતદારો માટે પાણી, છાંયડો, મેડિકલ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. ખેમરાજીયા, પાડલીયા અને રામપુરા વડલા ત્રણ ગામના 1476 જેટલા મતદારો માટે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરાયું હતું.જ્યાં સવારથી જ મતદાન માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. બપોરે અન્ય બુથો પર ગરમી અને તાપને લીધે મતદાન ધીમું જોવા મળ્યું હતું ત્યારે આદિવાસી પટ્ટામાં બપોરે પણ મતદાન માટે લાઈનો અને ભાઈ ઉત્સાહ જોવા મળ્યો હતો.