ઓસ્ટ્રેલિયાથી મત આપવા માટે યુવાન પાલનપુર પહોંચ્યો*

*ઓસ્ટ્રેલિયાથી મત આપવા માટે યુવાન પાલનપુર પહોંચ્યો*

આજે મતદાનના દિવસે સવારના ૭:૦૦ વાગ્યાથી જ મત આપવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આ મહાપર્વમાં યુવાઓ અમૂલ્ય મત આપી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ન માત્ર સ્થાનિક લોકો પરંતુ વિદેશમાં વસતા લોકો પણ મતદાન કરવા માટે માદરે વતન આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતા યુવાન હર્ષ અખાણીએ મત કરી પોતાની ફરજ નિભાવી.

 

*માતા-પિતા સાથે મતદાન કર્યું*

પાલનપુરની જી. ડી. મોદી કોલેજ ખાતે મતદાન મથક પર ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે ફાર્મા કંપનીમાં જોબ કરતા યુવા હર્ષ અખાણી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા ખાસ પાલનપુર આવ્યા હતા. તેમણે પોતાનો કિંમતી મત આપીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ યુવાઓને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી હતી.

 

*માતાએ વ્હીલચેર આવી મતદાન કર્યું*

હર્ષભાઈના માતા નયનાબેનના બંને પગે તાજેતરમાં ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે. તેમ છતાં હર્ષ અખાણીએ તેમના માતાને વ્હીલચેર પર લઈ આવી મતદાન કરાવ્યું. સાત સમુંદર પાર રહેતા હર્ષ અખાણીએ વિદેશથી આવી ન માત્ર પોતાનો મત આપ્યો પરંતુ માતા પિતાને મત અપાવી દેશની લોકશાહીને મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપ્યું.